સીધે સીધો વાર હવે તો ચક્કર બક્કર છોડ,
હાથી બાથી, પ્યાદું બ્યાદું, ખચ્ચર બચ્ચર છોડ,
જંગ જીતશું, હવે તો ખુદના નામે જીતશું બસ,
દુઆ બુઆ, દરગાહ બરગાહ, ઈશ્વર બિશ્વર છોડ,
કાન હશે તો સમજી જાશે, મૂંગું મૂંગું બોલ,
કીત્તા બીત્તા, કાગળ બાગળ, અખ્ખર બખ્ખર છોડ,
હોય જીગર તો આવી જા ને હાથ હાથ ની વાત,
તીરો બીરો, ભાલા બાલા, બખતર વખતર છોડ,
દુનિયા આખી હોય જો કરવી તારે ચરણે દોસ્ત!
માં ની ઉની ગોદ ને ઘરનું છપ્પર બપ્પર છોડ,
હવે તમારી તલવારો ને લોહી બોહી ની ભૂખ,
ગાંધી બાંધી, લાઠી બાઠી, બંદર વંદર છોડ,
સમય હવે છે આવી ઉભો દરવાજાની બા'ર,
એકલ એકે કૂદવાનું હો લશ્કર વશ્કર છોડ,
ઈશ્વરનાં હોવા અંગે જો શંકા ના કંઈ હોય,
તાવીજ બાવીજ, ધાગા બાગા, સત્તર વત્તર છોડ,
ચાલ હવે આ દુનિયા તારા દમ પર બદલી નાંખ,
ધરતી બરતી, પાતાળ બાતાળ, અંબર બંબર છોડ,
કામ જ તારાં મ્હોરી ઉઠશે શીશી બીશી ફેંક,
ફોરમ બોરમ, પૂમડાં બૂમડાં, અત્તર બત્તર છોડ,
મગજ બનાવી પાટી તું સૌ એની ઉપ્પર ઘૂંટ,
બસ્તા વસ્તા, ઝોલા વોલા, દફ્તર વફ્તર છોડ,
હવે જમાનો વેપારીનો, એને ખોળે કૂદ,
લેખક વેખક, આશિક વાશિક, શાયર વાયર છોડ,
© તોફાની ત્રિપુટી
No comments:
Post a Comment